
Share this:
સુરત જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ ફરી શરૂ કરતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જોકે કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરતા મનપા દ્વારા સાફ સફાઈ કરવા અને દવાનું વિતરણ શરૂ કરાયું છે, ત્યારે સુરત મ્યુનિ. કમિશનરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.સુરત જિલ્લામાં ઠેર ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાતા વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયું છે. માંડવી, મહુવા, બારડોલી, પલસાણા, ચોર્યાસી તાલુકામાં થયેલ વરસાદના કારણે મીઠીખાડીમાં ભારે પાણીની આવક થઈ છે. પરવત પાટીયા અને લિંબાયતમાં ખાડીમાં આવેલ પુરના પાણી હજી સંપૂર્ણ ઓસર્યા નથી, ત્યારે પુનઃ ખાડીમાં પુરનું સંકટ તોળાતા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે.સુરતમાં લિંબાયત, કમરુનગર, પરવત પાટીયા સહિતના વિસ્તારો ખાડીના પાણીથી અસરગ્રસ્ત થઈ ચૂક્યા છે. જોકે કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યા બાદ ભારે ગંદકીના માહોલથી સ્થાનિકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે, ત્યારે મનપા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી કરી લોકોને દવાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જે કામગીરીનું નિરીક્ષણ કરવા માટે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ અધિકારીઓ સાથે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી.